Navsari news: રાજયકક્ષા વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો.
Navsari news: રાજયકક્ષા વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો.
ગરીબ કલ્યાણ મેળો: નવસારી જિલ્લો
વર્તમાન સરકાર દ્વારા સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચાડી છે. ગરીબ કલ્યાણ મેળાથી લઇ તમામ યોજનામાં લાભો સિધા બેંકમાં જમા થતા વચેટીયાને દુર કર્યા છે.- મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે પડે છે તો પાણીની બચત પણ વધારે થવી જોઇએ- મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત દરેક વ્યક્તિ પોતાના જન્મ દિને એક વૃક્ષ વાવે- મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત નવસારી જિલ્લામાં ૧૭૪૧ લાભાર્થીઓને રૂ.૮ કરોડની સહાય-સાધનોના લાભો અર્પણ કરાયા.
મંત્રીશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ લાભાર્થી ભાઇ બહેનો સાથે સીધો સંવાદ કરી તેમને મળેલ યોજાનાકિય લાભ અંગે પ્રતિભાવો જાણ્યા
નવસારી, તા.૨૭: નવસારી જિલ્લામાં રાજયકક્ષા વન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ઢોડીયા સમાજની વાડી, સુરખાઈ, ચિખલી ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. નવસારી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળા દરમિયાન આદિજાતિ વિભાગ,આરોગ્ય, કૃષિ,પશુપાલન, ગ્રામવિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, ફિશરીઝ ,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, શિક્ષણ વિગેરે જુદા જુદા વિભાગના લાભાર્થીઓને સ્ટેજ ઉપથી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે ૧૭૪૧ લાભાર્થીઓને રૂ.૦૮ કરોડની સાધન- સહાયના લાભો હાથોહાથ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ સ્થાનેથી ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગરીબ કલ્યાણ મેળા માત્ર સરકારી સહાય આપવાના ઉદ્દેશ્યથી નહિ પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇની દીર્ઘદ્રષ્ટિથી ગરીબોના સશક્તિકરણનું મહાઅભિયાન બન્યા છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગરીબોને સશક્તિકરણ અભિયાન વધુ તેજ બનાવી ગરીબને આત્મનિર્ભર કરી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પ કરવાનો છે. વર્તમાન સરકાર દ્વારા સરકારી યોજનાઓ છેવાડાના માનવીસુધી પહોચાડી છે. ગરીબ કલ્યાણ મેળાથી લઇ તમામ યોજનામાં લાભો સિધા બેંકમાં જમા થતા વચેટીયાને દુર કર્યા છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યના છેવાડાના માનવીની ચિંતા કરી અને ગરીબ કલ્યાણ મેળા શરુ કર્યા હતા. ગુજરાતમાં આજદિન સુધી 13માં તબક્કામાં 1604 ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી 1.66કરોડો જરૂરિયાતમંદ લાભાર્થીઓને રૂા.36800કરોડ ઉપરાંતની સહાય હાથો હાથ પહોંચાડવામાં આવી છે, ત્યારે આજે ગરીબ કલ્યાણ મેળાના ૧૪માં તબક્કા હેઠળ નવસારી જિલ્લામાં આજે વિવિધ યોજનાના કુલ ૧૭૪૧ લાભાર્થીઓને રૂ.૮૦૦૬૬૧૭૮.૩૪ કરોડની સહાય-સાધનોના લાભો હાથોહાથ આપવામાં આવ્યા છે તેમણે લાભ મેળવનાર લાભાર્થીઓને મળેલ કીટ કે સાધન સહાયનો ઉપયોગ સમજી વિચારી પોતાના આર્થીક વિકાસ માટે કરવા જાહેર અપીલ કરી હતી.
વધુમાં તેમણે સેવા સેતુ અને ગરીબ કલ્યાણ મેળા જેવા કાર્યક્રમો થકી સરકાર જ્યારે ઘર આંગણે લાભ આપવા આવતી હોય તો તેનો ફાયદો ઉઠાવવા નાગરિકોને સ્વયં જાગૃત બનવા મીઠી ટકોર કરી હતી. આ સાથે બહેનોને સખી મંડળોમાં જોડાવા અને લખપતી દિદિ સહિત ડ્રોન તાલીમ જેવી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અંતે મંત્રીશ્રીએ જળનું મહત્વ સમજાવી રેઇન વોટર હાર્વેસ્ટીંગ અપનાવવા અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે પડે છે તો પાણીની બચત પણ વધારે થવી જોઇએ તથા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત દરેક વ્યક્તિ પોતાના જન્મ દિને એક વૃક્ષ વાવે તે માટે ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓમાંથી વિવિધ લાભાર્થી ભાઇ બહેનો સાથે સીધો સંવાદ કરી તેમને મળેલ યોજાનાકિય લાભ અંગે પ્રતિભાવો જાણ્યા હતા.
બોક્ષ-
અત્રે નોંધનિય છે કે, વર્ષ-૨૦૨૪ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત કુલ-૩૩૧૯૩ લાભાર્થીઓને રૂપિયા 2252791477.17ના વિવિધ સાધન સહાયના લાભો આપવામાં આવનાર છે. જેમાં વર્ષ-૨૦૨૪ ગરીબ કલ્યાણ મેળા અગાવ કુલ- ૩૦૨૮૫ લાભાર્થીઓને રૂપિયા ૨૧૫૬૩૧૧૩૦૭ના લાભો આપવામાં આવ્યા છે. મેળા બાદ કુલ-૧૧૬૭ લાભાર્થીઓને રૂપિયા ૧૬૪૧૩૯૯૧.૬૪ આપવામાં આવનાર છે. તથા આજે ગરીબ કલ્યાણ મેળા દરમિયાન કુલ ૧૭૪૧ લાભાર્થીઓને રૂ.૮૦૦૬૬૧૭૮.૩૪ કરોડના લાભો આપવામાં આવ્યા છે. આમ, વર્ષ-૨૦૨૪ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત નવસારી જિલ્લામાં ૩૩૧૯૩ લાભાર્થીઓને રૂપિયા ૨૨૫૨૭૯૧૪૭૭ના વિવિધ લાભોથી લાભાન્વિત થશે.
કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇએ સાચા અર્થમાં ગરીબને સશક્ત કર્યા છે. આજના કાર્યક્રમ થકી નાગરિકોને ખ્યાલ આવે કે સરકાર નાગરિકો માટે કેટલુ કામ કરી રહી છે. આજે કરોડોના લાભો નવસારી જિલ્લામાં આપવામાં આવ્યો છે. પ્રમુખશ્રીએ વધુમાં વિવિધ યોજના અંગે માહિતી આપતા જનધન યોજના, ગરીબ માતા બહેનો માટે ઉજ્જવલા યોજના, ગરીબોને આવાસની પ્રધાનમંત્રી આવાસ યોજના, વીમા સુરક્ષા યોજના અને આયુષ્યમાન ભારત યોજનાથી ગરીબને ગરીબી રેખાથી ઉપર ઉઠાવી સ્વમાનભેર જીવતો કર્યો છે એમ ઉમેર્યું હતું. તેમણે સેવાસેતુ કાર્યક્રમમાં પણ નાગરિકોને આવવા અને લાભ લેવા અનુરોધ કર્યો હતો. અંતે તેમણે રેઇન વોટર હાર્વેસ્ટીંગ કોન્સેપ્ટને અપનાવી પાણી બચાવવાના ભગીરથ કાર્યક્રમમાં જોડાવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમમાં ગણદેવી ધારાસભ્યશ્રી નરેશ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે.ગરીબ કલ્યાણ મેળા દ્વારા અનેક લોકોના જીવન ધોરણ ઉપર લાવવામાં સરકારશ્રીનું ખુબ મોટું યોગદાન રહ્યું છે. ધારાસભ્યશ્રીએ વધુમાં હાલ ચાલી રહેલ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સૌને પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે અત્રે ઉભા કરેલા સ્ટોલમાં વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી છે. જે અંગે નાગરિકોને પોતે પણ જાગૃત બની સરકારશ્રીની યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રીપલ ચૌધરી સ્વાગત પ્રવચન, કાર્યક્રમની આભાર વિધિ પ્રાંત અધિકારીશ્રી મિતેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં યોજનાકિય શોર્ટ ફિલ્મ સહિત બનાસકાંઠાથી મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજ્યકક્ષાના લાઇવ પ્રસારણને સૌએ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી મહાનુભાવોના હસ્તે તથા પેટા સ્ટેજ ઉપરથી વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ,સાધન સહાય, ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સાથે ઉપસ્થિત સૌએ પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા સ્વચ્છતા શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમમાં ચિખલી તાલુકાના શાળા કોલેજના બાળકો દ્વારા રાસ ગરબા, આદિવાસી નૃત્ય રજુ કરી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા.
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રાકેશ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા, અધિક નિવાસી કલેક્ટરશ્રી કેતન જોષી, પ્રાયોજના વહિવટદારશ્રીઓ, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના સભ્યો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામશ્રી, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ કર્મચારીઓ અને જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment